Thursday, July 16, 2009

ધબકતા, ઉછળાતા સંમુદરના મોજા


ધબકતા, ઉછળાતા સંમુદરના મોજા,
અંતે કિનારે પછડાયા કરે.

સુંદર સરિતાના મીઠાજળ,
અંતે ખારા પાણીમાં ભળ્યાં કરે.

દિવસ-રાત્રી પાગલ-પ્રેમી બની,
અંતે એક-બીજાને શોધ્યા કરે.

સમય સાથે તાલ દેતા ગ્રહો,
અંતે સૂયૅની સાડમાં રમ્યા કરે.

અખિલ બ્રહ્માંડમાં ભટકતો માનવી !
અંત ન હોય એનો અંત શોધ્યા કરે!

Wednesday, July 15, 2009

પરિચય

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો' તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

Sunday, July 12, 2009

હકારાત્મક અભિગમ

પપ્પા: "મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર."

પપ્પુ: "પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ."

પપ્પા: "પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે."

પપ્પુ: "પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!"

પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે…

પપ્પા: "હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું."

બિલ ગેટ્સ: "પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે."

પપ્પા: "પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!"

બિલ ગેટ્સ: "ઓહ! એમ વાત છે તો કરો કંકુના.."

છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે….

પપ્પા: "વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું."

પ્રેસિડન્ટ: "પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…"

પપ્પા: "પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે."

પ્રેસિડન્ટ: "તમારે આ વાત પહેલે કરવી જોઈતી'તી!"

મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!

Wednesday, July 8, 2009

સમાધાન કરી લઈએ...

ચાલ જિંદગી આપણે સમાધાન કરી લઈએ,
થોડો થોડો એકબીજા પર અહેસાન કરી લઈએ.

રહે યાદ એવું કૈં દરમિયાન કરી લઈએ,
ભૂલોનું એક અલગ જ જહાન કરી લઈએ.

હું ક્યાં કહું છું કે હું મને બરાબર ઓળખું છું,
પણ સામે છો તો ચાલો પહેચાન કરી લઈએ.

એક ટૂકડો ચાંદનો, બે સિતારા એક હું એક તું,
ધરાના અમુક હિસ્સાને આસમાન કરી લઈએ.

આંધળો ય છે, ગુંગો ય છે, બહેરો ય છે, છતાં,
દુઆ માંગી ખુદાને થોડો પરેશાન કરી લઈએ.

બુદ્ધિને લાગણી સાથે લેવા દેવા છે કે નહી,
ફક્ત થોડી અંધ-શ્રદ્ધાને વિજ્ઞાન કરી લઈએ.